INDIA

મોદીની અપીલ: કહ્યું- બે શાહી સ્નાન થઈ ગયા છે, કોરોના સંકટના કારણે હવે પ્રતીકાત્મક જ કુંભ મુકવામાં આવે, સ્વામી અવધેશાનંદ ગિરી સાથે ફોન પર કરી વાત

કુંભમાં અત્યાર સુધી બે શાહી સ્નાનમાં લાખોની જનતા ભેગી થઈ હતી

હરિદ્વારમાં ચાલતા કુંભમાં સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓની કોરોના સંક્રમિત થવાના ન્યૂઝ આવ્યા પછી પ્રશાસને પગલાં લેવાનું નક્કી કર્યું છે. ઘણાં અખાડા પહેલેથીજ કુંભમાંથી પરત ફરવાની જાહેરાત કરી ચૂક્યા છે. આ વિશે હવે વડાપ્રઘાન મોદી દ્વારા પણ એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરીજી સાથે ફોન પર વાત કરી છે. દરેક સંતોના સ્વાસ્થયની માહિતી લીધી છે. દરેક સંતગણ પ્રશાસનને દરેક પ્રકારની મદદ કરી રહ્યા છે. મેં તે માટે સંત જગતનો આભાર માન્યો છે.

વડાપ્રધાને આગળ કહ્યું છે કે, મેં વીનંતી કરી છે કે, બે શાહી સ્નાન થઈ ગયા છે તેથી હવે કુંભને કોરોના સંકટમાં પ્રતીકાત્મક જ રાખવામાં આવે. તેનાથી સંકટ સામે લડાઈ લડવામાં તાકાત મળશે. વડાપ્રઘાન મોદીએ આ વિશે ટ્વિટ કરી છે.

વડાપ્રધાનના નિવેદન પર જવાબ આપતા મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરીએ કહ્યું છે કે, માનનીય વડાપ્રધાનજી અપીલનું અમે સન્માન કરીએ છીએ. સ્વયં અને બીજાના જીવની રક્ષા કરવી ખૂબ મહત્વની છે. મારો ધર્મ પરાયણ જનતાને આગ્રહ છે કે, કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેના નિયમો અને ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે.

અત્યાર સુધીમાં 70થી વધારે સાધુ સંક્રમિત
કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને નિરંજની અખાડાએ 15 દિવસ પહેલાં જ કુંભ મેળો બંધ કરવાની જાહેરાત કરી દીધી હતી. આ અખાડાના 17થી વધારે સાધુ સંક્રમિત થયા હતા. અખાડાના સચિન રવિન્દ્ર પૂરી પોતે પણ સંક્રમિત થયા હતા. અત્યાર સુધી કુંભ મેળામાં સામેલ થનાર 70થી વધારે સાધુ-સંત કોરોના સંક્રમિત નોંધાયા છે. મોટી સંખ્યામાં સંતોનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. બે દિવસ પહેલાં જ અખિલ ભારતીય શ્રી પંચ નિર્વાણી અખાડાના મહામંડલેશ્વર કપિલ દેવદાસનું નિધન પણ થયું છે.

ઉત્તરાખંડમાં કોરોનાની સ્પીડ 8814% ઝડપી બની
ઉત્તરાખંડમાં આસ્થાના મહાકુંભ વચ્ચે હવે કોરોનાનો કુંભ પણ શરૂ થઈ ગયો છે. એક મહિનાની અંદર રાજ્યમાં કોરોનાના દર્દીઓ મળી આવવાની ગતિમાં 8841percentનો વધારો નોંધાયો છે. બગડતી જતી સ્થિતિનું અનુમાન એ વાતથી લગાવી શકાય કે જ્યાં ફેબ્રુઆરીમાં અહીં દરરોજ 30થી 60 લોકો સંક્રમિત મળતા હતા, એ સંખ્યા હવે વધીને 2,000થી 2,500એ પહોંચી ગઈ છે. આંકડાનું એનાલિસિસ કરવામાં આવે તો એવું લાગે છે કે આ તો હજુ શરૂઆત છે. આવનારા દિવસોમાં સ્થિતિ વધુ ભયજનક બની શકે છે.

લાખો લોકો એકઠા થતાં ઊઠી રહ્યા હતા ઘણા સવાલો
દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, આ વચ્ચે કુંભમેળો યથાવત્ રાખવાના મુદ્દે સવાલો ઊઠી રહ્યા હતા. દેશમાં ગુરુવારે કોરોનાના 2 લાખ નવા કેસ સામે આવ્યા. આ મહામારી શરૂ થઈ ત્યારથી અત્યારસુધીનો આ એક દિવસનો સૌથી મોટો આંકડો છે. બીજી તરફ, કુંભમાં લાખો લોકોની ભીડ એકઠી થઈ રહી છે. બુધવારે શાહી સ્નાનમાં 14 લાખ લોકો સામેલ થયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: