SPORTS

એક મહિનામાં દૈનિક કેસોમાં 1180%નો વધારો, આવી પરિસ્થિતિમાં 11 દિવસની અંદર 8 મેચ યોજાશે, 4 ટીમનાં 100 ખેલાડી હાજર રહેશે

દિલ્હી અત્યારે કોરોનાની ચોથી લહેરનો સામનો કરી રહી છે. કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકાર પણ કોરોના મહામારી સામે નિઃસહાય નજરે પડ્યા છે. દિલ્હીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુઆંકમાં પણ વધારો નોંધાયો છે. એક મહિના પહેલાની વાત કરીએ તો દિલ્હીમાં 28 માર્ચના રોજ 1881 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. આ આંક 27 એપ્રિલે 24 હજારને પાર પહોંચી ગયો છે. એટલે કે જોવા જઈએ તો અત્યારે દિલ્હીમાં કોરોનાના કેસમાં 1180% નો વધારો નોંધાયો છે.

આવી પરિસ્થિતિમાં પણ બુધવારના રોજ અહીંયા અરૂણ જેટલી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં IPLની લીગ મેચ યોજાવા જઈ રહી છે. આજથી લઈને આગામી 10 દિવસો સુધી અહીંયા કુલ મળીને 8 મેચ યોજાશે. બુધવારે સાંજે 7.30 વાગ્યે ચેન્નઈ અને હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે.

મુંબઈ અને રાજસ્થાનની ટીમ પણ આ સ્ટેડિયમમાં મેચ રમવા જઈ રહી છે. આવી પરિસ્થિતિમાં ટૂંકાગાળામાં 100થી વધુ ખેલાડીઓ અને એમના સપોર્ટ સ્ટાફ પણ મેચ દરમિયાન હાજર હશે. જેના પરિણામે ખેલાડીઓના આરોગ્યનો પણ પ્રશ્ન ઉઠી શકે છે.

ટૂર્નામેન્ટ પહેલા પણ ઘણા ખેલાડીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે
IPL-2021ના પ્રારંભ પહેલા જ ઘણાબધા ખેલાડીઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો. કોલકાતાના નીતીશ રાણા, RCBનો દેવદત્ત પડ્ડિકલ, દિલ્હીનો અક્ષર પટેલ, એનરિચ નોર્ખિયા અને ડેનિયલ સેમ્સ પણ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. દિલ્હીની સાથે 6 અલગ-અલગ સ્થળો પર IPLના મેચ યોજાશે જેના કારણે મુસાફરી દરમિયાન ખેલાડીઓને ચેપ લાગે એનું જોખમ વધી રહ્યું છે.

અશ્વિન સહિત 4 ખેલાડીઓએ સીઝનમાંથી બ્રેક લીધો
કોરોના મહામારીના પરિણામે રવિચન્દ્રન અશ્વિને પારિવારિક કારણના પગલે દિલ્હીની ટીમમાંથી બ્રેક લીધો હતો. એની સાથે 3 ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પણ લીગ છોડીને ચાલ્યા ગયા છે. જેમાં રાજસ્થાનનો એન્ડ્ર્યૂ ટાઈ RCBનો એડમ ઝેમ્પા અને કેન રિચર્ડસન પણ સામેલ છે. રિચર્ડસન અને ઝેમ્પા ભારતીય ફ્લાઈટ પર પ્રતિબંધ હોવાથી ઈન્ડિયામાં જ ફસાયેલા છે. જોકે BCCIએ કહ્યું હતું કે લીગ પૂરી થયા પછી દરેક ખેલાડીને વતન પરત ફરવા માટે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સ્ટેડિયમથી 1.1 KM દૂર કોરોના સંક્રમિત દર્દીઓ એડમિટ છે
બુધવારે અરૂણ જેટલી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ યોજાશે. જેનાથી 1.1 કિમી દૂર LNJP હોસ્પિટલમાં હજારો કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે. તેવામાં IPLના મેનેજમેન્ટ પર સવાલો ઉઠ્યા છે.

ખેલાડીઓની સુરક્ષાના ઉપાય

  • DDCAના જણાવ્યા અનુસાર, તમામ ટીમ અલગ-અલગ હોટલમાં રોકાણ કરી રહી છે. હોટલમાં બોયો-બબલની વ્યવસ્થા BCCIના કહ્યા પ્રમાણે જ કરવામાં આવી છે.
  • દિલ્હી સરકારના હોટલોને કોવિડ સેન્ટર બનાવવાની સૂચનાની અસર આના પર નહીં થાય. તેમાં કોવિડ હોસ્પિટલ નજીક આવેલી હોટલોને સેન્ટરમાં ફેરવાશે. ખેલાડીઓ એવી હોટલોમાં રહે છે, જે આ હદમાં નથી આવતા.
  • સ્ટેડિયમમાં 200થી વધુ લોકો નહીં હોય, એમાં 3 ઝોન બનાવવામાં આવ્યા છે.
  1. ઝોન-1માં ખેલાડીઓ અને ઓફિશિયલ્સ હશે. જ્યાં કોઈને જવાની અનુમતિ નહીં અપાય.
  2. ઝોન-2માં બ્રોડકાસ્ટિંગ ટીમ રહેશે. ત્યાં પણ કોઈને આવવાની અનુમતિ નહીં અપાય.
  3. ઝોન-3માં DDCA અને BCCIના અધિકારીઓ હશે. આ લોકો પણ ઝોન-1 અને 2માં જઈ શકેશે નહીં.

દિલ્હીમાં મંગળવારે 24 હજારથી વધુ સંક્રમિત મળ્યા
દેશની રાજધાની દિલ્હીમાં મંગળવારના રોજ 24,219 લોકો કોરોના સંક્રમિત થયા હતા. જેમાંથી 17,862 લોકો સાજા થયા હતા અને 381નાં મોત નીપજ્યાં હતા. અત્યારે સુધી 10 લાખ 72 હજાર લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 9 લાખ 58 હજાર દર્દીઓ સાજા થયા છે, તો 15,009 દર્દીઓના મોત થયા છે. અત્યારે 98,264 દર્દીઓ સારવાર હેઠળ છે.

9 દિવસથી દિલ્હીમાં લોકડાઉન
દિલ્હી સરકારે 19 એપ્રિલના રોજ એક સપ્તાહના લોકડાઉનની ઘોષણા કરી હતી, જે 26 એપ્રિલે ખૂલવાનું હતું. પરંતુ આને એક સપ્તાહ સુધી લંબાવવામાં આવ્યું છે. હવે દિલ્હીમાં 3 મે સુધી લોકડાઉન રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: