SPORTS

{{metaservice.heading()}}

નવી દિલ્હી, તા.૩૦

ભારતીય ક્રિકેટર આર. અશ્વિન અને મહિલા ટીમની કેપ્ટન મિતાલી રાજની સાથે સાથે ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રી, એથ્લીટ નીરજ ચોપરા અને ટેબલ ટેનિસ સ્ટાર શરથ કમલનું નામ દેશના સર્વોચ્ચ રમત એવોર્ડ – રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે. શૂટિંગમાં આંતરરાષ્ટ્રીય મેડલ વિજેતા અંજુમ મુદગીલ અને અંકુર મિત્તલ તેમજ તીરંદાજીમાં જ્યોતિ સુરેખા વેન્નામના નામ પણ ખેલ રત્ન એવોર્ડ માટે મોકલવામાં આવ્યા છે.

દેશના સર્વોચ્ચ રમત એવોર્ડ ખેલ રત્નની સાથે સાથે અર્જુન એવોર્ડ સહિતના વિવિધ સ્પોર્ટ્સ એવોર્ડ્સ માટે તમામ રમતના ફેડરેશનો તેમજ એસોસિએશનો વિશિષ્ટ સિદ્ધિ મેળવનારા ખેલાડીઓના નામ ખેલ મંત્રાલયને મોકલે છે, જે પછી ખેલ મંત્રાલયની કમિટિ એવોર્ડ અંગેનો અંતિમ નિર્ણય લેશે.

બીસીસીઆઇએ વેટરન સ્પિનર અશ્વિન અને મહિલા ક્રિકેટર મિતાલી રાજને ખેલ રત્ન માટે નોમિનેટ કર્યા છે. જ્યારે જસપ્રીત બુમરાહ, શિખર ધવન અને લોકેશ રાહુલના નામ અર્જુન એવોર્ડ માટે મોકલવામાં આવ્યા છે. ભારતીય  ફૂટબોલ ફેડરેશને સુનિલ છેત્રીને ખેલ રત્ન અને બાલા દેવીને અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કર્યા છે. જ્યારે ગેબ્રિયલ જોસેફના નામની ભલામણ દ્રોણાચાર્ય એવોર્ડ માટે કરવામાં આવી છે.

ભારતીય એથ્લેટિક્સ ફેડરેશને ટોચના જેવલીન થ્રોઅર નીરજ ચોપરાનું નામ ચોથી વખત ખેલ રત્ન એવોર્ડ માટે મોકલાવ્યું છે. ગોલ્ફર શુભંકર શર્માને પણ ખેલ રત્ન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. ટેબલ ટેનિસ ફેડરેશને શરથ કમલને ખેલ રત્ન એવોર્ડ આપવાની ભલામણ કરી છે. જ્યારે ગુજરાતના માનવ ઠક્કરની સાથે ઐહિકા મુખર્જી અને સુતીર્થા મુખર્જીને અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કર્યા છે.

નેશનલ રાઈફલ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ અંજુમ મુદગીલ અને ડબલ ટ્રેપ શૂટિંગના વર્લ્ડ ચેમ્પિયન અંકુર મિત્તલને ખેલ રત્ન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. જ્યારે ઈલાવેનિલ વાલારિવન અને અભિષેક વર્માનું નામ અર્જુન એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: