SPORTS

{{metaservice.heading()}}

નવી દિલ્હી, તા.૧૩

કપિલ દેવની આગેવાનીમાં ઈ.સ. ૧૯૮૩માં પ્રથમ વખત વિશ્વવિજેતા બનેલી ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય રહી ચૂકેલા યશપાલ શર્માનું ૬૬ વર્ષની ઉંમરે કાર્ડિયાક એરેસ્ટને કારણે અવસાન થયું છે. તેઓ ઈ.સ. ૧૯૭૮ થી ૧૯૮૫ દરમિયાન ભારત તરફથી ૩૭ ટેસ્ટ અને ૪૨ વન ડે રમ્યા હતા. મીડલ ઓર્ડરના જમણેરી બેટ્સમેન તરીકે અસરકારક દેખાવ કરનારા યશપાલે ઈ.સ. ૧૯૮૩ના વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે આક્રમક અડધી સદી ફટકારી હતી. નિવૃત્તિ બાદ ટીવી પર ક્રિકેટ એક્સપર્ટ તરીકે પણ તેમણે મહત્વનું યોગદાન આપ્યું હતુ. 

મોર્નિંગ વૉક કરીને પરત ફરેલા યશપાલ અચાનક જ ઢળી પડયા હતા. તેઓ તેમની પાછળ પત્ની અને બે પુત્રો તેમજ એક પુત્રીને વિલાપ કરતી મુકી ગયા છે. તેમની અંતિમવિધિ નવી દિલ્હીના લોધી રોડ ખાતેના સ્મશાનગૃહ ખાતે કરવામાં આવી હતી, જેમાં તેમના ભૂતપૂર્વ સાથીદાર એવા કિર્તી આઝાદ સહિતના નજીકના મિત્રો, પરિવારજનો અને સ્નેહીઓ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ ૨૦૧૧માં ધોનીની કેપ્ટન્સી હેઠળ વર્લ્ડ ચેમ્પિયન બનેલી ભારતીય ટીમની પસંદગી કરનારી સમિતિના તેઓ સભ્ય પણ હતા. તેઓએ ચીફ સિલેક્ટર તરીકેની જવાબદારી પણ અદા કરી હતી. 

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેઓએ બે દાયકા સુધી તેમની પ્રતિભાનો જાદુ ચલાવ્યો હતો. જે દરમિયાન તેઓએ ૨૧ સદી અને ૪૬ અડધી સદી સાથે ૮,૯૩૩ રન ફટકાર્યા હતા. તેઓનો જન્મ લુધિયાણામાં થયો હતો અને તેમણે ઘરઆંગણાના ક્રિકેટમાં પંજાબ, હરિયાણા અને રેલવેનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. 

૧૯૭૭માં રાષ્ટ્રીય સ્તરે પ્રતિભા દેખાડી

યશપાલ શર્માની પ્રતિભાને ૧૯૭૭માં રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી હતી. તેમણે દુલીપ ટ્રોફીની  ફાઈનલમાં સાઉથ ઝોન સામે નોર્થ ઝોન તરફથી રમતાં ૧૭૩ રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેના સહારે તેમની ટીમનો વિજય થયો હતો. તેમની આ ઈનિંગ એટલા માટે નોંધપાત્ર હતી કારણ કે સાઉથ ઝોનની ટીમમાં બી.એસ. ચંદ્રશેખર, એસ. આબિદ અલી અને ઇરાપલ્લી પ્રસન્ના જેવા ધુરંધર બોલરો હતા. તેમના આ પ્રદાનને સહારે જ તેમને રાષ્ટ્રીય ટીમમાં તક મળી હતી. 

આંતરરાષ્ટ્રીય કારકિર્દી માટે ઈંતજાર : લોર્ડ્ઝમાં ડેબ્યુ

ઘરઆંગણાના શાનદાર પર્ફોમન્સ બાદ પાકિસ્તાન પ્રવાસ માટેની ટીમમાં પસંદ થયેલા યશપાલ શર્માને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરવા માટે આશરે બે વર્ષ જેટલો ઈંતજાર કરવો પડયો હતો. આખરે તેમને ૧૯૭૯ના ઈંગ્લેન્ડ પ્રવાસની લોર્ડ્ઝ ટેસ્ટમાં ટેસ્ટ કેપ આપવામાં આવી હતી. આ પ્રવાસમાં તેમણે મીડલ ઓર્ડરના બેટ્સમેન તરીકે પ્રભાવશાળી દેખાવ કરતાં ૫૮.૯૩ની સરેરાશથી ૮૮૪ રન ફટકાર્યા હતા. 

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સદીઓ

યશપાલ શર્માએ આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ફટકારેલી બે સદીઓ અનુક્રમે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે નોંધાઈ હતી. ઈ.સ. ૧૯૭૯ના ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામેની દિલ્હી ટેસ્ટમાં તેમણે પાંચમા ક્રમે ઉતરીને અણનમ ૧૦૦ રન ફટકાર્યા હતા. ત્યાર બાદ ૧૯૮૨માં ઈંગ્લેન્ડ સામેની ચેન્નાઈ ટેસ્ટમાં તેમણે ૧૪૦ રનની ઈનિંગ રમી હતી. તે મેચમાં વિશ્વનાથે ૨૨૨ રન ફટકાર્યા હતા. બોબ વિલિસ-ઈયાન બોથમ જેવા બોલરોની સામે વિશ્વનાથ-યશપાલની જોડીએ આખો દિવસ બેટીંગ કરતાં ૩૧૬ રનની ભાગીદારી કરી હતી. 

૧૯૮૩ના વર્લ્ડ કપમાં વિન્ડિઝ સામે પ્રથમ મેચમાં, ઈંગ્લેન્ડ સામે સેમિમાં અડધી સદી

ભારતના ૧૯૮૩ના વર્લ્ડ કપ વિજયમાં તેમનું પ્રદાન મહત્વનું રહ્યું હતુ. ગૂ્રપ સ્ટેજમાં વિન્ડિઝ સામેની સૌપ્રથમ મેચમાં ભારતના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવતા યશપાલ શર્માએ ૮૯ રન ફટકાર્યા હતા. તેમણે હોલ્ડિંગ, રોબર્ટ્સ, ગાર્નર અને માર્શલ જેવા ઘાતક બોલરો સામે યાદગાર ઈનિંગ રમી હતી. જ્યારે સેમિ ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે તેમણે ૬૧ રનનું મહત્વનું યોગદાન આપ્યું હતુ. ૧૯૮૩ના વર્લ્ડ કપમાં ભારત તરફથી તેમણે ૩૪.૨૮ની સરેરાશથી ૨૪૦ રન ફટકાર્યા હતા. 

વિશી ભૈયા, છોડના નહીં, આજ પુરા દિન ખેલેંગે

ઈ.સ. ૧૯૮૨ની ચેન્નાઈ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે ગુંડપ્પા વિશ્વનાથ (૨૨૨) અને યશપાલ શર્મા (૧૪૦)ની જોડીએ ૩૧૬ રનની મેરેથોન ભાગીદારી કરી હતી. જેને યાદ કરતાં વિશ્વનાથે કહ્યું કે, પિચ બાઉન્સી હતી અને અમે ગાવસ્કર-રોયની વિકેટ ગુમાવી દીધી હતી. બોબ વિલિસનો બાઉન્સર વાગતાં દિલીપ વેંગસરકર તે રિટાયર્ડ હર્ટ થયાં હતા. ભારતનો સ્કોર ૧૫૦/૨ હતો અને ત્રણ બેટ્સમેન પેવેલિયનમાં હતા, ત્યારે યશપાલ મારી સાથે બેટીંગમાં જોડાયો હતો. તે સતત મારો જુસ્સો વધારતો અને કહેતો, ‘વિશી ભૈયા, છોડના નહીં, આજ પુરા દિન ખેલેંગે. તેના આ જ જુસ્સાના કારણે અમે વિલિસ, બોથમ અને અંડરવૂડ જેવા બોલરો સામે આખો દિવસ બેટીંગ કરતાં ૩૧૬ રનની ભાગીદારી કરી હતી. ટેસ્ટ મેચમાં આખો દિવસ બેટીંગ કરવી એ વિશિષ્ટ સિદ્ધિ સમાન હતી. જૂજ બેટ્સમેનો આવી સિદ્ધિ ધરાવતા હતા. તેમના અવસાનના સમાચારે મને આંચકો આપ્યો છે. હું હજુ માની શકતો નથી કે તે આ દુનિયામાં નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: